વચનામૃત ગઢડા છેલ્લાનું - ૨
સંવત ૧૮૮૨ના જ્યેષ્ઠ સુદિ ૬ છઠને દિવસ સાંજને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિરના ફળિયાને વિષે બાજોઠ ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્યામ છેડાની ધોળી પાઘ બાંધી હતી અને શ્વેત ચાદર ઓઢી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પાઘને વિષે મોગરાનાં પુષ્પનો તોરો ખોસ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, (૧) જગતને નાશવંત દેખે છે અને દેહને મૂકીને ચૈતન્ય જુદો થઈ જાય છે, તેને પણ દેખે છે તોપણ આ જીવને જગતનું પ્રધાનપણું હૈયામાંથી મટતું નથી. અને પરમેશ્વરને સર્વ પ્રકારે સુખના સિંધુ જાણે છે તોપણ પરમેશ્વરમાં જીવનું ચિત્ત ચોટતું નથી, તેમ સત્સંગ પણ એના હૃદયમાં મુખ્ય થાતો નથી, અને ધન, સ્ત્રીઆદિક જે સાંસારિક પદાર્થ તેમાંથી પ્રીતિ મટતી નથી તેનું શું કારણ હશે ? પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું જે, જીવના હૃદયમાં વૈરાગ્ય નથી તેણે કરીને જગતનું પ્રધાનપણું મટતું નથી ને ભગવાનમાં પ્રીતિ થાતી નથી. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, વૈરાગ્યની ન્યૂનતા છે એ તો વાત સાચી; પણ અમને તો એમ ભાસે છે જે, જેને સત્સંગ થાતાં વાંત જેવું અંગ બંધાઈ જાય છે તેવું ને તેવું જ સદાય રહે છે, પણ તે વિના બીજું થાતું નથી અને સત્સંગે કરીને તે અંગની પુષ્ટિ તો થાય પણ અંગ તો તેનું તે જ રહે છે અને જ્યારે જેને જે અંગ બંધાય છે ત્યારે અંગ બંધાતાં વાંત એનું ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે. જેમ કામી હોય તેનું ચિત્ત કામે કરીને વિભ્રાંત થાય, ને જેમ ક્રોધી હોયે તેનું ચિત્ત ક્રોધે કરીને વિભ્રાંત થાય, ને જેમ લોભી હોય તેનું ચિત્ત લોભે કરીને વિભ્રાંત થાય, તેમ એનું ચિત્ત અંગ બંધાતાં વાંત વિભ્રાંત થઈ જાય છે, પછી તે વિભ્રાંતિમાં જેવું અંગ બંધાય તેવું અંગ રહે છે. માટે જે સમજુ હોય તેને પોતાનું જે અંગ હોય તેને ઓળખી રાખ્યું જોઈએ, તે જ્યારે કામ-ક્રોધાદિકે કરીને પોતાને વિક્ષેપ થાતો હોય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય. જેમ કોઈક ગૃહસ્થ હોય તેને પોતાની માતા, બોન અથવા દીકરી અતિ રૂપવાન હોય તેને જોઈને જો ભૂંડો ઘાટ થઈ જાય તો પછી તેની કેવી દાઝ થાય ? તેવી દાઝ જ્યારે સત્સંગ વિના બીજું પદાર્થ પ્રધાન થાય ત્યારે થઈ જોઈએ. અને જ્યારે એવી દાઝ અયોગ્ય પદાર્થના સંકલ્પને દેખીને ન થાય તેના હૃદયમાં તો સત્સંગ પણ પ્રધાન ન રહે. અને સર્વે સાધનનું ફળરૂપ તો આ સત્સંગ છે, તે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે એકાદશ સ્કંધમાં કહ્યું છે જે, અષ્ટાંગ યોગ તથા સાંખ્યવિચાર, તથા શાસ્ત્રપઠન તથા તપ, ત્યાગ, યજ્ઞ ને વ્રતાદિકે કરીને હું તેવો વશ થાતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું, માટે અમને તો એમ ભાસે છે જે, પૂર્વજન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો હશે. અને આજ પણ જેને જેને સંસ્કાર થાય છે તે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. માટે એવા સત્પુરુષનો સંગ પ્રાપ્ત થયો છે, તોપણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશે મંદબુદ્ધિવાળો જાણવો. (૧) શા માટે જે જેવી શ્વેતદ્વીપમાં સભા છે ને જેવી ગોલોક-વૈકુંઠલોકને વિષે સભા છે ને જેવી બદરિકાશ્રમને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું અને સર્વ હરિભક્તને અતિશે પ્રકાશે યુક્ત દેખું છું, એમાં જો લગાર પણ મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે જે સર્વને એવું અલૌકિકપણું સમજાતું નથી અને દેખવામાં પણ આવતું નથી, તે સારુ સમ ખાવા પડે છે. અને બ્રહ્માદિકને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે જેવી એ જીવને પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે દૃઢપણે પ્રતીતિ થાતી નથી. તે શ્રુતિમાં કહ્યું છે જે, જેવી પરોક્ષ દેવને વિષે જીવને પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે, અને જ્યારે આવો સંત-સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, માટે જેને પરમપદ કહીએ; મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે. અને આ વાર્તા જે કહી તે જણાય છે તો જાડી જેવી પણ એ તો અતિશે ઝીણી છે. તે જે એવી રીતે વર્તતો હોય તેને એમ સમજાય જે એ વાર્તા અતિ ઝીણી છે ને બીજાને તો સમજ્યામાં પણ આવે નહિ એવી અતિશે ઝીણી વાર્તા છે, એમ વાર્તા કરીને શ્રીજીમહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાના ઉતારામાં પધાર્યા. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૨।। (૨૩૬)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તે અંગ સદા રહે છે અને અયોગ્ય પદાર્થના સંકલ્પે કરીને દાઝ ન થાય તેને સત્સંગ પ્રધાન રહે નહિ અને સત્પુરુષને યોગે કરીને સંસ્કાર થાય છે, માટે સત્પુરુષને યોગે પણ જેમ છે તેમ ન સમજે તે અતિશે મંદ બુદ્ધિવાળો છે. (૧) અને સર્વે ધામોની સભાથી આ સત્સંગીની સભા અધિક છે ને આ સત્સંગ બ્રહ્માદિકને પણ દુર્લભ છે, ને જેવી પરોક્ષ એટલે અક્ષરધામમાં અમે દિવ્ય સ્વરૂપે વિરાજમાન છીએ તેમાં પ્રતીતિ એટલે દિવ્યભાવનો દૃઢ વિશ્વાસ છે તેવો જ આ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે દેખાતા જે અમે તેમાં દિવ્યભાવ નથી આવતો, ને આ મૂર્તિ ને અક્ષરધામમાં મૂર્તિ તે એક જ છે એમ સમજાતું નથી, એ જ અમારા વિના બીજે હેત રહેવાનું કારણ છે, અને જો પરોક્ષના જેવી જ પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો છતે દેહે જ મોક્ષને પામી રહ્યો છે. (૨) બાબતો છે.
૧ પ્ર પહેલી બાબતમાં સત્સંગ થાતાં જેવું અંગ બંધાય છે તેવું સદાય રહે છે એમ કહ્યું તે સત્સંગનો અર્થ શો હશે ?
૧ ઉ સત્રૂપ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા તેમની મૂર્તિના સુખભોક્તા ને તેમની આજ્ઞામાં વર્તનારા એવા સત્પુરુષ તથા શ્રીજીમહારાજે વર્ણન કરેલો એવો તેમનો ધર્મ, તથા એ ત્રણેનું જેમાં વર્ણન છે એવાં વચનામૃત તથા સત્સંગિજીવન આદિક શાસ્ત્ર, એ ચારનો સંગ તેનું નામ સત્સંગ કહેવાય.
૨ પ્ર પહેલી બાબતમાં અંગ બંધાતાં ચિત્ત વિભ્રાંત જેવું થઈ જાય છે એમ કહ્યું તે વિભ્રાંત કેવી રીતે થતું હશે ?
૨ ઉ જ્યારે સંતનો સમાગમ કરે ત્યારે કોઈક પાસેથી જ્ઞાનની વાત સાંભળે, ને કોઈક પાસેથી વૈરાગ્યની વાત સાંભળે, ને કોઈક પાસેથી ધર્મની ને કોઈક પાસેથી ભક્તિની, એમ નોખી નોખી વાતો સાંભળે ત્યારે સંશય થાય જે કોની વાત સાચી હશે ? અને કિયું અંગ બાંધીએ તો મોક્ષ થાય ? એમ ભ્રાંતિ રહ્યા કરે પછી તેમાંથી જે અંગની દૃઢતા થાય તે અંગ બંધાય માટે અંગ બંધાયા પહેલાં સંશયવત્ થાય તે વિભ્રાંતિ જાણવી.
૩ પ્ર કામ-ક્રોધાદિકે કરીને વિક્ષેપ થાય ત્યારે પોતાના અંગનો વિચાર કરે તો તે કામાદિક ક્ષીણ પડી જાય એમ કહ્યું તે અંગ કિયું જાણવું ?
૩ ઉ જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, ભક્તિ આદિક અંગ છે તેમાંનું જે અંગ પોતાને હોય તે અંગનો વિચાર કરે તો કામાદિક જિતાય એમ કહ્યું છે.
૪ પ્ર જ્ઞાન-વૈરાગ્યાદિક અંગનો વિચાર કેવી રીતે કરવો ?
૪ ઉ જ્ઞાનના અંગવાળાને કામ, ક્રોધ, લોભાદિકનો સંકલ્પ થાય ત્યારે એમ વિચાર કરે જે સર્વ સુખમય મૂર્તિ ને સર્વોપરી એવા શ્રીજીમહારાજને મૂકીને અતિ તુચ્છ, નાશવંત ને દુઃખરૂપ માયિક પદાર્થમાં જો હું પ્રવર્તીશ તો શ્રીજીમહારાજ કુરાજી થશે ને મોક્ષમાં વિઘ્ન પડશે ને મારે માથે જન્મમરણ રહેશે ને મહાદુઃખિયો થઈશ, એમ પશ્ચાત્તાપ કરીને સંકલ્પને ટાળી નાખે અને વૈરાગ્યના અંગવાળાને કામ, ક્રોધ, લોભાદિકનો સંકલ્પ થાય ત્યારે તે નાશવંત ને તુચ્છ પદાર્થમાં પ્રીતિ કરવા જેવું નથી એમ વિચારીને સંકલ્પને ટાળી નાખે. અને ધર્મવાળાને શ્રીજીમહારાજની આજ્ઞા વિરુદ્ધ સંકલ્પ થાય ત્યારે એમ વિચારે જે આ સંકલ્પ પ્રમાણે હું પ્રવર્તીશ તો જન્મ, મરણ ને ગર્ભવાસ ને યમયાતનાનાં દુઃખ ભોગવવાં પડશે એમ વિચારીને આજ્ઞા વિરુદ્ધ સંકલ્પને ટાળી નાખે. અને ભક્તિ તેટલે પ્રીતિના અંગવાળાને શ્રીજીમહારાજ વિના બીજો સંકલ્પ થાય તો તેને વસમું લાગે જે આવા મોટા ભગવાનને મૂકીને મને આવો તુચ્છ ઘાટ થાય તે ઠીક નહિ એમ વિચારે તો કામાદિકના ઘાટ ટળી જાય.
૫ પ્ર સર્વે સાધનનું ફળરૂપ આ સત્સંગ કહ્યો તે ફળરૂપ કેવી રીતે સમજવો ?
૫ ઉ સમગ્ર સાધન તથા ભક્તિનું ફળ જેવું આ સત્સંગમાં મળે છે તેવું બીજા કોઈ સંગથી મળતું નથી એવો શ્રીજીમહારાજનો ને એમના અનાદિ તથા પરમ એકાંતિકમુક્તનો સંગ મળ્યો છે તે આત્યંતિક કલ્યાણરૂપી ફળ આપે છે તેવું બીજાથી મળતું નથી એમ કહ્યું છે.
૬ પ્ર બીજી બાબતમાં શ્વેતદ્વીપ, ગોલોક, વૈકુંઠ તથા બદરિકાશ્રમની સભાઓથી આ સત્સંગીની સભાને અધિક કહી, અને વળી પછીથી બ્રહ્માદિકને પણ આ સત્સંગ દુર્લભ છે એમ કહ્યું તે બ્રહ્માથી તો વૈકુંઠની સભા અધિક છે ને તેથી ગોલોકની અધિક છે ને તેથી બદરિકાશ્રમની અધિક છે ને તેથી શ્વેતદ્વીપની અધિક છે તે સર્વેને આ સત્સંગ દુર્લભ છે તો બ્રહ્માને તો દુર્લભ હોય જ, માટે બ્રહ્માદિકને દુર્લભ કહેવાની તો કાંઈ જરૂર રહી નહિ, માટે તેને દુર્લભ છે એમ કહેવાનો શો હેતુ હશે ?
૬ ઉ આ ઠેકાણે મૂળઅક્ષરને બ્રહ્મા નામે કહ્યા છે તે મૂળઅક્ષરને પણ આ સત્સંગ દુર્લભ છે તો તેના મુક્તને તથા શ્વેતદ્વીપપતિ વાસુદેવાદિકને તથા તેમના મુક્તોને દુર્લભ હોય તેમાં શું કહેવું ? એમ કહ્યું છે.
૭ પ્ર જેવી પરોક્ષ દેવને વિષે પ્રતીતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિને વિષે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તે સર્વે અર્થ પ્રાપ્ત થાય છે, એમ કહ્યું તે પરોક્ષ દેવ કિયા સમજવા ને પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કિયા સમજવા ?
૭ ઉ શ્રીજીમહારાજ અક્ષરધામમાં રહ્યા છે તે પરોક્ષ જાણવા અને આંહીં દર્શન આપે છે તે પ્રત્યક્ષ જાણવા ને શ્રીજીમહારાજ પોતે ત્યાગી-ગૃહીના ગુરુપણે વર્ત્યા તેથી એમ કહ્યું જે અમે તમારા ગુરુ રૂપે છીએ, પણ અમે પોતે હરિ એટલે ભગવાન છીએ, માટે અમને પ્રત્યક્ષ ભગવાન જાણીને અમારે વિષે પ્રતીતિ લાવો એમ કહ્યું છે એમ ગુરુરૂપ હરિ કહ્યા છે, પણ સત્પુરુષ જે ગુરુ તેમને હરિ એટલે ભગવાન જાણવા એમ નથી કહ્યું.
૮ પ્ર આ વાર્તા જાડી જેવી જણાય છે, પણ અતિશે ઝીણી છે એમ કહ્યું તે કેવી રીતે સમજે તો જાડી કહેવાય ને કેવી રીતે સમજે તો ઝીણી કહેવાય ?
૮ ઉ જેવી પરોક્ષને વિષે પ્રતીતિ છે તેવી પ્રત્યક્ષને વિષે પ્રતીતિ આવે તો સર્વ અર્થ પ્રાપ્ત થાય એમ કહ્યું તે પરોક્ષ અવતાર થઈ ગયા એવા શ્રીજીમહારાજને સમજે તે જાડી વાત કહેવાય અને અક્ષરધામમાં શ્રીજીમહારાજ દિવ્ય તેજોમય મૂર્તિ વિરાજે છે તે પરોક્ષ છે તેવા ને તેવા જ આંહીં મનુષ્ય રૂપે અથવા પ્રતિમા રૂપે દર્શન આપે છે તે પ્રત્યક્ષ છે એમ સમજે તો ઝીણી વાત કહેવાય.
૯ પ્ર જ્યારે શ્રીજીમહારાજ મનુષ્ય રૂપે દર્શન આપતા ત્યારે તો પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ હતા, પણ આજ પ્રત્યક્ષ ગુરુરૂપ હરિ કોને જાણવા ?
૯ ઉ જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ મનુષ્ય રૂપે છે અને તે જ મૂર્તિ પ્રતિમા છે, પણ પ્રતિમા તથા મનુષ્યરૂપ મૂર્તિ તથા અક્ષરધામમાં મૂર્તિ તે જુદી નથી; એક જ છે. માટે પ્રતિમા રૂપે દર્શન આપે છે તે જ પ્રત્યક્ષ હરિ છે. અને જે મુક્ત હોય તેમને ગુરુ જાણવા, પણ હરિ એટલે ભગવાન જાણવા નહીં. ।।૨।।